વંથલીનો ઇતિહાસ

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

એક કાળે વંથલી ચુડાસમા વંશની રાજધાનીનું શહેર હતું. વંથલીનું મૂળ અસલ નામ વામનસ્થલી કે વામનપુર હતું, તેમાંથી અપભ્રંશ થતા આજનું નામ પ્રસિદ્ધ થયું છે. વંથલી નગર ફરતો એક કાળે (જુના સમયે) કોટ હતો, જેના દરવાજાના હવે થોડાક અવશેષો બચ્યા છે. આ કોટને ચાર દરવાજા હતાં. કુતિયાણા દરવાજો, વાલી દરવાજો, સ્ટેશન દરવાજો અને જૂનાગઢ દરવાજો. ધંધુસરની હાનિવાવના લેખમાં વામનધામનો વંથલી તરીકે ઉલ્લેખ મળે છે. મહાભારતમાં વંથલીનો ઉલ્લેખ વામનતીર્થ તરીકે કરાયો છે. વામન ભગવાને બલિરાજાને પાતાળમાં યુક્તિથી બેસાડી દીધેલ પછી ગર્ગમુનિને પૂછ્યું કે મારે રહેવા માટે ક્યાં શહેર બાંધવું? આ પછી વંથલીની જગ્યા પસંદ પડતા ત્યાં વામનસ્થલી બંધાયું. વામન ભગવાન પરથી આ સ્થળનું નામ પડ્યું, આથી ક્યારેક કોઈ જગ્યાએ ‘દેવસ્થલી’ અથવા ‘દેથલી’ પણ નામ જોવા મળે છે. વંથલીનું વામન મંદિર એ પૌરાણિક અને ઐતિહાસિક તથા અમૂલ્ય અને અલભ્ય રહ્યું છે. ગુજરાતમાં પાટણના સહ લિંગ વામન સરોવરને કાંઠે વામન મંદિર હતું તે આજે નથી, તેથી હાલ વામન મંદિર માત્ર વંથલીમાં જ રહ્યું છે. એ દૃષ્ટિએ વંથલીનું ઐતિહાસિક મહત્વ પૌરાણિક નગર તરીકે વધી જાય છે. વંથલીમાં વામન મંદિરે દર વર્ષે વામન જયંતી ભાદરવા સુદ ૧૨(બારસ)ના રોજ ઉજવવામાં આવે છે. આજે આ અલભ્ય મંદિરની હાલત દયનીય છે. વામન મૂર્તિનો દેખાવ જોઈએ તો ઠીંગણા, ઉભેલા, બે હાથવાળા, દરેક હાથમાં કમંડળ અને છત્ર અને ખભા ઉપર યજ્ઞોપવિત તથા લંગોટ ધારણ કરેલા છે.

જોકે વંથલીના વામન મંદિરની મૂર્તિ કંઈક જુદા આકારની છે.આ સ્થળે તો ભવ્ય મંદિર બાંધી પૌરાણિક ઇતિહાસને જાળવવો જ જોઈએ એવી આપણી ફરજ થઈ પડે છે પણ આ મુદ્દો ધ્યાને આવતો નથી તેનો વસવસો છે. બલિ રાજાનું રાજ્ય બલિસ્તાન એટલે કે આજના બીલખામાં એક સમયે હતું જેમને ઘણા યજ્ઞ કરેલા. તેમાં ૧૦૦માં યજ્ઞની પૂર્ણાહૂતિ પ્રસંગે દેવોને લાગ્યું કે આ તો બહુ બળવાન બનતો જાય છે, ક્યાંક ઇન્દ્રનું સિંહાસન જ મેળવી લેશે. તેથી તે ચિંતામાં દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા કે આ અમારી ચિંતા છે ત્યારે ભગવાન વિષ્ણુએ વામન રૂપે બલિરાજા પાસે ત્રણ પગલાં જમીનનું વરદાન માંગ્યું, વામને બે પગલાંમાં પૃથ્વી અને સ્વર્ગ આવરી લીધા ત્યારે ત્રીજું પગલું બલિના માથે મૂકી તેને દબાવીને પાતાળ ભેગો કરી દીધો, જ્યાં પાતાળમાં તેને રાજ્ય આપ્યું. ત્રેતાયુગમાં ઈન્દ્રને સહાય કરવા માટે કશ્યપથી અદિતિની કુખે થયેલો વિષ્ણુના દશમાહેનો પાંચમો અવતાર એટલે વામનાવતાર. બલિએ વામનની ઈચ્છા પૂર્ણ કરી, તેથી વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું તો બલિ કહે આપ કાયમ મારે ત્યાં પધારતા રહો. આથી વિષ્ણુ દેવપોઢી અગિયારસથી દેવઉઠી અગિયારસ સુધી દર વર્ષે પાતાળમાં જઈ બલિદ્વારે દ્વારપાળ તરીકે બિરાજે છે. આ પૌરાણિક મહત્વ ધરાવતા નગરનો વામન મંદિરનો આ છે ઇતિહાસ. આપણે આઝાદી પછી ઇતિહાસ અને સંસ્કૃતિ અને વારસાની જાળવણી માટે બહુ રસ લીધો નહીં.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...